ઉમાશંકર જોશી જન્મશતાબ્દી
સમિતિના ઉપક્રમે 21, જુલાઈ,
2011ના દિવસે ટાગોર હોલ, અમદાવાદ
ખાતે, ઉમાશંકર જોશી જન્મશતાબ્દી
ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
હતું. હિંદીના જાણીતા સાહિત્યકાર
પ્રો. નામવર સિંહે 'સાહિત્ય
ઔર સાંપ્રત સમય' પર ઉમાશંકર
જોશી વ્યાખ્યાન આપતા કહ્યું
હતું કે આજના અંધકારયુગમાં
અને ગુજરાત તેમજ દેશમાં પ્રવર્તતી
સાંસ્કૃતિક કટોકટીના સમયમાં
સાહિત્યકારનો શબ્દ એ શસ્ત્ર
સમાન છે અને એ સંદર્ભમાં ઉમાશંકરના
સાહિત્યની ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ઉમાશંકરના સમકાલીનો
મૃણાલિની સારાભાઈ અને નારાયણ
દેસાઈએ એમની સ્મૃતિઓ તાજી
કરી હતી અને નિરંજન ભગતે ઉમાશંકરનાં
કાવ્યોનું પઠન કર્યું હતું.
આ ઉપરાંત ઇષિરા પરીખ
અને `આનર્ત' નૃત્યવૃંદે ઉમાશંકરનાં
કાવ્યો નૃત્યરૂપે રજૂ કર્યાં
હતાં. શાસ્ત્રીય, સુગમ અને
લોકસંગીતના કલાકારોએ એમનાં
ગીતો ગાયાં હતાં તેમજ એમની
યુવાવસ્થામાં 1929થી 1931 દરમ્યાન
એક સત્યાગ્રહી તરીકે કુટુંબીજનોને
લખેલા પત્રોનું વાંચન કરવામાં
આવ્યું હતું. ઉમાશંકર જોશી
જન્મશતાબ્દી સમિતિ તરફથી
આ પ્રસંગે ઉમાશંકરનાં જીવન
સાહિત્ય અને વિચાર પર તૈયાર
કરવામાં આવેલું પ્રદર્શન
હવે ગુજરાતભરમાં વિવિધ શૈક્ષણિક
અને સાહિત્યિક સંસ્થાઓમાં
ફરતું રહેશે.
આ પ્રસંગે સ્વાતિ જોશીએ
જણાવ્યું હતું કે ગંગોત્રી
ટ્રસ્ટ તરફથી દર વર્ષે ઉમાશંકર
જોશી સ્મૃતિ વ્યાખ્યાન યોજવામાં
આવશે. ઉપરાંત ગંગોત્રી ટ્રસ્ટ
તરફથી ઉમાશંકર જોશી ગુજરાત
અભ્યાસ કેન્દ્ર (ઉમાશંકર
જોશી સેન્ટર ફોર ગુજરાત સ્ટડીઝ)
શરૂ કરવામાં આવશે જેમાં ગુજરાતને
લગતા તમામ વિષયોના અભ્યાસ-સંશોધન
તેમજ પ્રકાશનની પ્રવૃત્તિ
હાથ ધરવામાં આવશે.
|