Umashankar Joshi ~ પ્રાસંગિક ઉમાશંકર 
Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us
In his own Handwriting

umashankarjoshi.in>WORKS & VIEWS> Prasangik Umashankar

પ્રાસંગિક ઉમાશંકર

1951 ઓગસ્ટ
ગુજરાતમાં પુસ્તકોનો પ્રશ્ન

થોડાક સમય પહેલાં અમદાવાદમાં લેખકો-પ્રકાશકોએ સાથે મળીને ગુજરાતમાં પુસ્તકપ્રચારની આજે શી સ્થિતિ છે તે ઉપર અનૌપચારિક રીતે વિચારોની આપલે કરી હતી.

આ પ્રશ્ન વિચાર કરવા જેવો છે. જે પુસ્તકોનો પચીસ કે પચાસ અથવા સો વરસને ગાળે ગુજરાતી સાહિત્યમાં સમાસ થશે એમ લાગે એવાં પુસ્તકોના પ્રશ્નનો જ મુખ્યત્વે વિચાર કરીએ. કાંઈ નહિ તો એવા ઊંચા ધોરણે લખાતાં લલિત સાહિત્યનાં અને ચિંતનનાં પુસ્તકોનો પ્રશ્ન વિચારીએ. આવાં પુસ્તકોની માગ આપણી ભાષામાં જ નહિ

પણ અંગ્રેજી જેવી જગતભાષામાં પણ બીજાં પુસ્તકોને મુકાબલે ઓછી રહેવાની. અલબત્ત, નવલકથાઓનો અપવાદ બાદ કરવાનો. ગુજરાતી ભાષા બોલનારની કુલ સંખ્યા જ જ્યાં કરોડેકની અને એમાં અક્ષરજ્ઞાન જ જ્યાં દસપંદર ટકા, અક્ષરજ્ઞાન મેળવેલાઓમાંથી પણ પુસ્તકો પાછળ સમય ખરચવાની ફુરસદ જ જ્યાં ઘણા ઓછાને

ત્યાં લેખકપ્રકાશકોએ મનોમન એટલી ગાંઠ તો વાળવી જ જોઈએ કે આ ભાષામાં પુસ્તકોનો પ્રચાર અત્યંત મર્યાદિત રહેવાનો. આ મર્યાદા સ્વીકારીને જ ગુજરાતી લેખકોએ અને પ્રકાશકોએ કામ કરવું રહે. સદ્ભાગ્ય તો એ ગણાય કે છેલ્લાં વીસ વરસથી આપણે ત્યાં પણ એવી પરિસ્થિતિ આવી શકી કે લલિત સાહિત્યના સર્જકે પોતે જ પોતાનાં પુસ્તકો પ્રગટ કરવાં રહેતાં તેને બદલે પ્રકાશકો એની માગણી કરતા આગળ આવવા માંડ્યા. અત્યારે પ્રજાના આર્થિક ધોવાણને કારણે ખરચ ઉપરનો પહેલો કાપ પુસ્તકો ઉપર પડતાં પુસ્તકપ્રકાશન એ મુશ્કેલ વ્યવસાય બનવા લાગ્યો છે અને આગળ પડતા ગણતર લેખકોનો અપવાદ બાદ કરતાં ફરીથી સર્જકોએ (ખાસ કરી સાહિત્યની આશારૂપ નવીનોએ) પોતે જ પોતાનાં પુસ્તકો પ્રગટ કરવાં પડે એવી સ્થિતિ ફરીથી આવશે કે શું એ ચિંતા ડોકિયાં કરી રહી છે.

આ સંજોગોમાં શું થઈ શકે?

1. પહેલું તો પુસ્તકઉત્પાદન ઓછું ખરચાળ કરી કિંમત કેમ ઓછી થઈ શકે તે વિચારાવું જોઈએ.

2. પુસ્તકો પ્રગટ થવાની સાહિત્યરસિકોને જાણ થાય તે માટે જાહેરાત વધવી જોઈએ. ખાસ કરીને દૈનિકસાપ્તાહિક પત્રોની સમાલોચનાઓ સારા--સાચા સાહિત્યના પ્રચારમાં મોટો ભાગ ભજવી શકે. સદ્ગત મેઘાણીની આ પ્રકારની સેવા સુવિદિત છે.

3. પુસ્તકાલયોમાં અમુક પક્ષપાત કે પૂર્વગ્રહથી પુસ્તકો ન ખરીદાય, પણ ગુજરાતી સાહિત્યનાં અંગભૂત પુસ્તકો વસાવાય એ માટે લાગતાવળગતા દરકાર સેવે. (આ લખનારને ગુજરાત કોલેજ લાયબ્રેરીમાં `ભણકાર'--ધારા 1 મળ્યું ન હતું. પણ પછી વીરમગામ છાવણીમાં હતો ત્યારે ત્યાં મહોલ્લાના એકાદ ખૂણાના પુસ્તકાલયમાંથી એ મળ્યું હતું. એ પુસ્તકને ત્યાં વસાવનારનો કેટલો પાડ માનવો? એ જ રીતે નાનકડા દેત્રોજ ગામના પુસ્તકાલયમાં `યુગધર્મ'ની ફાઈલો મળી હતી!) વાચકોએ પણ આળસ ખંખેરી થોડાક સક્રિય થવું જોઈએ. પોતે જ પુસ્તકાલયોનો ઉપયોગ કરતા હોય ત્યાં યોગ્ય વાચનસામગ્રી આવે છે કે નહિ તે માટે સમજાવટભર્યા સતત પ્રયત્ન કરવા જોઈએ.

4. કોઈ વિશિષ્ટ પુસ્તક પ્રગટ થવાનું હોય તો મહારાષ્ટ્રમાં થાય છે તેમ એના ઉદ્ઘાટનનો વિધિ યોજી સૌને રસ લેતા કરી શકાય. આપણે ત્યાં `સિદ્ધહેમ'નો હાથીની અંબાડી ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો હતો એ પ્રસિદ્ધ છે. અલબત્ત, આવા પ્રસંગો વિવેકપૂર્વક યોજાવા જોઈએ.

5. કુટુમ્બો પોતાનું વાર્ષિક બજેટ વિચારે તેમાં બે પૈસા સાંસ્કારિક વિકાસ પ્રત્યે પણ ફાજલ રાખી શકે તો રાખે અને પૈસાનું પૂરું વળતર મળી રહે એ રીતે પસંદગીપૂર્વક પુસ્તક વસાવે.

6. પ્રજાને જેમનામાં શ્રદ્ધા બેસે એવા કેળવણીકારો, સંસ્કારસેવકો દ્વારા જુદાજુદા વર્ગોએ વાંચવા--વસાવવા જેવાં પુસ્તકોની જુદી જુદી યાદીઓ પ્રસિદ્ધ થવી જોઈએ જેથી યોગ્ય દોરવણી મળી રહે.

7. પુસ્તકપ્રકાશનમાં પુસ્તકોની પસંદગી વિવેકપૂર્વક થાય (મેકમિલન કં.નો મહાન નવલકથાલેખક ચાર્લ્સ મોર્ગને લખેલો ઇતિહાસ એ દૃષ્ટિએ જોવા જેવો છે) અને પુસ્તકપસંદગીમાં પ્રકાશકસંસ્થા કોઈ ને કોઈ સુજ્ઞની સલાહસૂચના લેવા ટેવાય એ જરૂરી છે. પ્રકાશકસંસ્થાઓની શાખનો આધાર છેવટે આવી બાબતો ઉપર રહેવાનો.

8. કેટલાંક પુસ્તકોનો પ્રચાર એટલો બધો પરિમિત હોય છે કે એવાં પુસ્તકો પ્રકાશકસંસ્થાઓ બજારની રીતે છાપવાનું સાહસ કરતાં સંકોચ અનુભવે. જાહેર વિદ્યાસંસ્થાઓ એ અંગે ઘણું કરી શકે. સંશોધનનાં પુસ્તકો પ્રગટ કરવાની એક વખત આપણે ત્યાં ભારે મુશ્કેલી હતી, હવે અનેક સંસ્થાઓ દ્વારા એ મુશ્કેલી મોટે ભાગે ટળી છે... અત્યારના સમયે આપણી જાહેર વિદ્યાસંસ્થાઓ અને સાહિત્યસંસ્થાઓ અન્યત્ર (બજારમાં) છપાઈ ન શકે એવા લલિત કે વિવેચનાત્મક--ચિંતનાત્મક સાહિત્યને પ્રગટ કરવા માટે આગળ આવે તો ઘણું યોગ્ય ગણાય. દા. ત., આપણા થોડાક પ્રૌઢ લેખકોના ગદ્યલેખસંગ્રહો થઈ શકે એમ છે, જે લાંબે પલ્લે ગુજરાતી `સાહિત્ય'નું અંગ બનવા સંભવ છે. પ્રકાશક કંપનીઓ એ પ્રગટ કરી ન શકે, પણ જાહેર સંસ્થાઓ જરૂર કરી શકે. બીજું, ઊછરતા આવતા નવતર કવિઓના પચાસથી સો પૃષ્ઠના કાવ્યસંગ્રહો (જે શુદ્ધ સાહિત્યની પ્રસાદીરૂપ ગણાય) આવી જાહેર સંસ્થાઓ ધારે તો સહેલાઈથી આપી શકે. માંડ 700--800 પાનાં કુલ થાય. પણ કેવડી મોટી સેવા થાય! જુદીજુદી સાહિત્યસભાઓ આ જાતનાં પ્રકાશનો, વિવેકપુર:સર, કરી શકે. વિલેપાર્લે સાહિત્યસભાએ પ્રગટ કરેલું `સાહિત્યપરામર્શ' એ આવો એક અભિનન્દનપાત્ર પ્રયોગ છે.

9. અત્યારે એટલું બધું શક્ય લાગતું નથી, પણ સગવડ દેખાતાં, આપણા લોકપ્રિય પ્રશિષ્ટ (ક્લાસિકલ) લેખકોનાં પુસ્તકો બે કોલમની દળદાર સસ્તી આવૃત્તિ રૂપે, બંગાળીમાં બંકિમચંદ્ર, દ્વિજેન્દ્રલાલ, રવીન્દ્રનાથ, શરતચંદ્ર આદિની રચનાઓ પ્રગટ થઈ હતી તેમ, અપાવાં જોઈએ.

10. ગુજરાતીમાં કોઈ પણ પુસ્તક મંદ-પ્રચાર (obsolete) બને તો એક વાર તો સમજવું કે એ કોઈક ઉત્તમ ગ્રંથ (masterpiece) હશે. ગો. મા. ત્રિ.નું `સાક્ષરજીવન'

કાન્તનું `શિક્ષણનો ઇતિહાસ', કલાપીનું `કાશ્મીરનો પ્રવાસ', આનન્દશંકર ધ્રુવનું `હિંદુધર્મની બાળપોથી', ગાંધીજીનું `યરવડાના અનુભવ', --- દાખલાઓની ખોટ નથી. એક પ્રજા તરીકે આપણી ચૈતન્યપ્રવૃત્તિ અંગે થોડીક ચો઀પથી નજર રાખીએ તો આવા આળમાંથી બચવું એ એટલું બધું મુશ્કેલ નથી.

ગુજરાતી પ્રજા એની અત્યારની ગુંજાશ જોતાં પુસ્તકો બાબત તદ્દન બેકદર છે એવું કહેવા માટે કારણ નથી. સાચી કેળવણીનો અભાવ, જમાનાનાં ઇતર આકર્ષણો

આર્થિક તંગી -- એ બધું પુસ્તકપ્રચારમાં આડે આવે છે એ સાચું છે. ભણેલા વર્ગમાં જે વેપારઉદ્યોગમાં છે તેમાંના મોટા ભાગને પુસ્તકોમાં રસ ઓછો જ હોય એ સમજી શકાય એવું છે. વધુ ભણેલો વર્ગ છે તેને ગુજરાતી કરતાં અંગ્રેજી પુસ્તકોમાં વધારે રસ છે. (અંગ્રેજી પુસ્તકો અને સામયિકો પાછળ ગુજરાત ઠીકઠીક ખર્ચ કરે છે. એ હકીકત આશાસ્પદ છે.) ગુજરાતી લેખકો એવું લખે છે ખરા કે આ અંગ્રેજીમાં રચ્યાપચ્યા રહેનાર વર્ગને ગુજરાતી લેખકનું પુસ્તક ન વાંચે તો પોતે એથી વંચિત રહ્યા એવું--કાંઈક ગુમાવ્યાનું--ભાન થાય? નાનકડા ગુજરાતના નાનકડા વાચકવર્ગે પચાસ વરસમાં સરસ્વતીચંદ્ર જેવા સાક્ષરી ગ્રંથની 1,03,400 નકલો અને `જીવનશોધન' જેવા વિચારગર્ભ પુસ્તકની ચાર આવૃત્તિઓ થવા દીધી છે. એને યોગ્ય દોરવણી આપતા રહી, એની આંતરભૂખ સંતોષાય એવું સાહિત્ય પીરસતા રહી, સાહિત્યવિકાસનો માર્ગ લેખકપ્રકાશકો અત્યારે પણ જરૂર ખેડી શકે.

 

This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]