વિશ્વવિખ્યાત નાટ્યકાર અને સમાજચિંતક જ્યૉર્જ બર્નાર્ડ શૉએ ગયા મહિનામાં અંગ્રેજ મતદારો જોગ નિવેદન કરતાં સમજાવ્યું છે કે માનવી-સમાજરચના કોઈ ને કોઈ જાતના સામ્યવાદ વિના અસંભવિત છે. રસ્તા બાંધ્યા અને વાહનોની અવરજવરને નિયમમાં રાખવા પોલીસને ઊભી રાખી, પાણીની સમૂહવ્યવસ્થા કરી, તે દહાડાથી માનવસભ્યતાએ સામ્યવાદની એક બહોળી ભૂમિકા સ્વીકારી છે, જેના વગર એક અઠવાડિયું પણ એ નભી શકે નહિ. ``આજના રાજપુરુષોએ એમનાં બાઇબલ (જો એમની પાસે હોય તો) પણ પૂરાં વાંચ્યાં નથી. નહિ તો એમને ખબર હોત કે ખ્રિસ્તી ધર્મનો આરંભ સામ્યવાદથી થયો હતો, અને સામ્યવાદ એવો કડક હતો કે એક દંપતીએ થોડાક સિક્કા મજિયારા ફાળામાં આપવા રાખ્યા હતા તેને સંત પીટરે મૃત્યુદંડ આપ્યો હતો. રવિવારની શાળામાં બાળકોને શીખવવામાં આવે છે કે ઇતિહાસના સૌથી વિખ્યાત અસત્યભાષી (ઈશુને વિશે `એ ઇસમને હું ઓળખતો નથી' એમ કહેનાર) સંત પીટરે આદમ સ્મિથનાં એ પ્રાચીન અનુયાયી યુગલને જૂઠું બોલવા માટે મારી નાખ્યું હતું! અરે, આફ્રિકાનો ઊંડો રાજપુરુષ-ચિંતક જેન સ્મટ્સ તેય સામ્યવાદને, આપણને હોઈયાં કરવા માટે આળસ મરડતો રાક્ષસ કહે છે અને પ્રધાનમંડળના સભ્યો, ઉમેદવારો અને મતદારો એના આછા પડઘા પાડ્યા કરે છે, જાણે આપણે બધાએ `સ્વતંત્ર' ગુહાવાસીઓ થવાનો નિરધાર કર્યો ન હોય! ગુફામાં રહેનાર માણસો સ્વતંત્ર નથી. સૌ મનુષ્યો જન્મથી સ્વતંત્ર છે એવું રૂસોનું સૂત્ર ધરમૂળથી જ દોષયુક્ત છે.'' ભૂખમરો, તંગી, વગેરેમાંથી બચવા થોડીક અસ્વતંત્રતા સ્વીકારવી રહેશે જ એમ કહી ઓજારો અને યંત્રો દ્વારા ફુરસદ કમાવાની અગત્ય ઉપર શો ભાર મૂકે છે, અને તેને માટે થોડીક કહેવાતી સ્વતંત્રતાને ભોગે પણ `લોકસંગ્રહની દૃષ્ટિએ કડક અંકુશો' મૂકવાની હિમાયત કરે છે. અંતે પ્રજાને ફરીથી કહે છે કે સામ્યવાદના વિશાળ પાયા ઉપર જ સભ્યતાનું મંડાણ થવું શક્ય છે. સામ્યવાદનું ઉપરનું મથાળાનું પડ મૂડીવાદનું રહેવાનું એમ પણ એ કહે છે.
|