દેશમાં ગરીબ કુટુમ્બો---આખાં ને આખાં કુટુમ્બો અસહ્ય ગરીબીને લીધે સામૂહિક આત્મહત્યા કરવાના સમાચારો વારંવાર છાપાંમાં ચમકી જાય છે, એ સંજોગોમાં ગરીબોને માટે જેની આંતરડી કકળી ઊઠેલી છે એવા પં. જવાહરલાલ મોંએ મોટામોટા પગારોનો દેશના ને રાજ્યના ગૌરવના નામે બચાવ થતો સાંભળવા મળે એ બેવડું નવાઈભર્યું છે. હિંદના વડાહાકેમનો પગાર દુનિયામાં આજસુધીમાં પૂરો વગોવાયેલો છે. આપણે લડત વખતે એની સામે રોષ ઠાલવવામાં બાકી રાખી નથી. આજે રાજાજી જેવા ત્યાગી નેતા એ પદે આવ્યા ત્યારે પણ એ જૂના ખર્ચો જ ચાલુ છે : માસિક પગાર રૂ. 20,900 ઉપરાંત રૂ. 3,750 અને રૂ. 29,166નાં અલાવન્સ. મોટરો નિમિત્તે રૂ. 5,250 અને રહેવાના ખર્ચના રૂ. 50,000. વાઇસરીગલ લોજના સ્વતંત્ર હિંદમાં ઇસ્પિતાલ તરીકેના ઉપયોગની સંભવિતતા ગાંધીજીએ સૂચવી હતી. પણ પંડિતજી આજે કહે છે કે આ બધું અકબંધ રાખવાનું છે કેમકે `રાજ્યના ગૌરવને સોસવું ન પડે એ ઇચ્છવાજોગ છે.' વળી બચાવમાં એમણે કહ્યું કે `રાજાજી જેવો સાદાઈવાળો માણસ હિંદમાં કોઈ છે નહિ.' ખરે જ વડા [મુખ્ય] પ્રધાન તરીકે જે પોતાનાં કપડાં હાથે ધોતા હતા તે રાજાજી પોતે પણ આ શી રીતે ચલાવી લે છે એ આશ્ચર્ય છે.
પંડિતજીએ પરદેશી એલચીખાતાંના ખર્ચના આંકડા આપ્યા એ પણ છાતીએ વાગે એવા છે. અલબત્ત નવેસરથી હિંદે એલચીખાતાં સ્થાપવાનાં હોઈ આરંભમાં કરોડોનો ખર્ચ થાય એ સમજી શકાય એવું છે
પણ આકાશને અડતા પગારો અને અત્યંત ખર્ચાળ રહેણી એ હિંદનું `ગૌરવ' સાચવવા માટે અનિવાર્ય હશે એમ માનવું મુશ્કેલ છે. મોસ્કો ખાતેનાં એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતને માસિક--સૌથી વધુ--રૂ. 12,500 મળે છે. મોસ્કોમાં એમને સ્વીડિશ રાચરચીલું જોઈએ છે. બ્રિટન ખાતેના હાઈકમિશનર શ્રી કૃષ્ણ મેનનની તહેનાતમાં નવ મોટરગાડીઓ છે, જેમાં એક રોલ્સરોયસ હમણાં જ રૂ. 54,600 ની મોટી કિંમતે ખરીદવામાં આવી છે, અને તે એમની પદવીના `ખાસ મહત્ત્વ અને મોભાને નજરમાં રાખીને.'
પરદેશમાં આપણા એલચીઓ યતિઓનું જીવન ગાળે એવી કોઈ અપેક્ષા ન રાખે. પણ બીજા પાશ્ચાત્ય દેશોની સરસાઈ કરવી હોય તોપણ હિંદી પ્રજાજનની સરેરાશ આવક જરી વધે ત્યાં સુધી એ પ્રજાજનની દરિદ્રતાની પરદેશોમાં ઠેકડી ઊડે એ જાતની રહેણી તો તેઓ ન જ રાખે. હિંદી પ્રજાજનની સરેરાશ આવક દુનિયામાં સૌથી વધારે હોય ત્યારે પણ હિંદ પોતાનું ગૌરવ પરદેશમાં ખર્ચાળ એલચીઓથી નહિ સાચવે, હિંદના આત્માની મોટાઈ પ્રગટ કરીને જ દાખવશે. હિંદ પાસે દુનિયાને આ અપેક્ષા રહેવાની જ.
|