આગળ ચાલતાં સરકારે નીમેલા ચેરિટીકમિશનરે મંદિરોના જીર્ણોદ્ધાર અંગે ટ્રસ્ટીઓની ઇચ્છાની આડે આવવું ન જોઈએ તે વિશે બોલતાં તેઓ(શેઠ)શ્રી કહે છે :
`પાંચસો રૂપિયાના પગારદાર કમિશનરને આ બાબતનો ખ્યાલ પણ શી રીતે આવવાનો છે? હું કોઈ પણ જીર્ણોદ્ધારમાં પચીસ લાખ રૂપિયા ખર્ચવા માગું છું. એમ જો તે સાંભળે તો આ સાંભળીને તેનું હૃદય ચાલતું બંધ થઈ જશે કે કેમ તેની મને ખબર નથી.'
આઝાદીના પ્રથમ વર્ષમાં આવા ઉદ્ગારો સાંભળવા મળે એવી ભાગ્યે જ અપેક્ષા રહે. દેશની કૉંગ્રેસે તો 1931માં ઠરાવ કરેલો છે કે આપણો સૌથી મહાન રાષ્ટ્રસેવક પણ પાંચસોથી વધુ પગારવાળો નહિ હોય. સંજોગવશાત્ અત્યારે વધુ પગારો છે પણ તે સામે પ્રજામાં ભારે ઊહાપોહ છે. હમણાં જ `હરિજન'માં પાંચસોની પ્રબળ હિમાયત કરવામાં આવી છે. આપણા વડાપ્રધાન અને પ્રમુખ પાંચસો રૂપિયા લેતા હશે અને કરોડો બલકે અબજોની યોજનાઓ વિચારતા ને અમલમાં મૂકતા હશે
અને તેમ છતાં તેમનાં હૃદય બંધ પડી જવાનો સહેજ પણ સંભવ નથી. રાજાઓ હવે નાગરિકો તરીકે નેતાગીરી માટે બહાર આવ્યા છે. રાજાઓ રાજપદ છોડશે એની છ મહિના પહેલાં કોને ખબર હતી? છતાં સરદારે એ સ્વપ્ન સિદ્ધ કરી બતાવ્યું છે. આપણને તો ઉદ્યોગપતિઓ માટે પણ ઉમેદ છે કે તેઓ રાષ્ટ્રીયકરણનો સમય આવતાં નાગરિકો તરીકે પોતાની ઊંચી કુશળતાનો લાભ પ્રજાને પાંચસો રૂપિયામાં જ આપશે અને દેશની વતી કરોડો રૂપિયાની યોજનાઓ હાથ પર લેતાં પોતાના હૃદયને આંચ આવવા દેશે નહિ.
|