ધર્માદા ફંડોની વ્યવસ્થામાં સુધારાને ઘણો જ અવકાશ છે એ જોઈ સરકારે એની વિચારણા માટે ટેન્ડુલકર સમિતિ નીમી છે. જગત સામે અપરિગ્રહનો ઉચ્ચોચ્ચ આદર્શ ધરનાર જૈનધર્મના અનુયાયીઓ--જેઓ આજે ભગવાનને જ નામે મોટાં ફંડો ફેરવે છે તેઓએ સરકારની આ પ્રવૃત્તિ સામે વિરોધનું આંદોલન જગાવ્યું છે; સદ્ભાગ્યે જાગ્રત જૈનમત પ્રાગતિક વલણને ટેકો આપે છે. અમદાવાદમાં ગયે અઠવાડિયે સકળ જૈન સંઘ ટેન્ડુલકર સમિતિ આગળ જુબાનીમાં શેઠ શ્રી કસ્તુરભાઈએ લીધેલા પ્રત્યાઘાતી વલણ માટે તેમને અભિનંદન આપે છે. પણ તે વલણનો પરિચય કરતાં કોઈ પણ નાગરિકને દુ:ખ થાય એવું છે. સમિતિ આગળ જુબાની આપતાં સરકારે ચેરિટીકમિશનરની નિમણૂક કરવી જોઈએ કે નહિ તે પ્રશ્નના જવાબમાં શેઠશ્રીએ કહ્યું, `દેશનાં વધારે વિશાળ હિતો લક્ષમાં લઈને જૈનોના અલગ પ્રતિનિધિત્વ અને બેઠકો માટે અમે હિલચાલ કરી નહિ એ કમનસીબીની વાત છે.' (`પ્રબુદ્ધ જૈન' તા. 1-6-48)
કોમવાદ અને એના પરિણામરૂપ અલગતાવાદ આપણા જીવનનાં કેટલાંક ક્ષેત્રોમાં કેવો ઊંડેઊંડે સમસમી રહ્યો છે એ કમનસીબ પરિસ્થિતિનો આવા ઉદ્ગારોથી ખ્યાલ આવે છે અને પં. જવાહરલાલ નેહરુ જે સંકુચિતતાની સામે જરૂર પડે તો પરદેશ રહીને પણ લડવાની વાત કરે છે તે આપણા પ્રજાજીવનને કેટલી હદ સુધી વિકૃત કરી રહી છે તે પ્રત્યક્ષ થાય છે.
|