ગાંધીજીએ હિટલરને કાગળ લખ્યો હતો, એને અને જર્મન પ્રજાને સલાહ આપી હતી. ગાંધીજીની સલાહ તો બીજી શી હોય, સિવાય કે અહિંસાની? આજે હારેલી જર્મન પ્રજા ગાંધીજૂથો રચવામાં બહુ રસ લઈ રહ્યાના સમાચાર આવી રહ્યા છે.
કોઈ કવિએ પણ કદી કલ્પના નહિ હોય કે કાયદેઆઝમના શુભ હસ્તે રેંટિયાનો ને ખાદીનો પ્રચાર થશે. સમાચાર છે કે પાકિસ્તાનમાં સાઠ હજાર રેંટિયા ગુંજતા કરવાની યોજનાને કાયદેઆઝમે વધાવી લઈ ગતિમાં મૂકી છે.
ગાંધીજીની વાતો સીધીસાદી છે. વાર્યા નહિ તો હાર્યા પણ આપણે એમનો રસ્તો જ સ્વીકાર્યા વગર આરો નથી. એમનો તો નમ્ર દાવો હતો કે એમનો રસ્તો---ભલે સેંકડો કે હજારો વરસોનો હોય તોપણ---ટૂંકામાં ટૂંકો છે.
|