અમદાવાદીઓ મગરૂરીથી કહે છે કે અમારા અમદાવાદમાં એક અમદાવાદ સિવાય બીજો કોઈ વાદ ચાલે જ નહિ. હમણાં ગુજરાત પ્રાન્તિક સમાજવાદી પક્ષની કારોબારી-સમિતિના સભ્ય તરીકે અહીંના એક ધનકુબેરના સેવક ચૂંટાયા ત્યારે એ મગરૂરીમાં વજૂદ છે એમ લાગ્યું. હિંદી સામ્યવાદીઓ એમની રશિયાપરસ્તીને લીધે આપણું દિલ જીતી શકતા નથી, પણ એ સાચા માર્ક્સવાદી છે એનું પ્રમાણપત્ર એમણે મૂડીવાદ પાસેથી જરૂર મેળવ્યું છે. સામ્યવાદીઓનું નામ પડતાં મૂડીવાદને કાળજે (જો એવું કાંઈ હોય તો) તેલ રેડાય છે. સ્તાલિનશાઈ માર્ક્સવાદીઓ કરતાં વધુ શુદ્ધ માર્ક્સવાદી તરીકે ઝળકવા માટે મૂડીવાદની તહેનાતમાં રહેવું જરૂરી છે? મૂડીવાદના હાથ ઓછા મજબૂત છે કે એના હાથા બનવાની વળી જરૂર રહે? ગુજરાતના નવજુવાનોના મનમાં સમાજવાદ વિષે બુદ્ધિભેદ નહિ થાય? સામ્યવાદીઓ જ શું આ બાબતમાં એમને આદર્શરૂપ રહેશે?...
|