સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારની વાતો એટલા બધા ગૌરવભાનથી થાય છે કે એમાં કોઈને કાંઈ વિચાર કરવા રોકાવા સરખું ભાગ્યે જ લાગે. જીર્ણોદ્ધારમાં રાજ્યે પૈસા ખરચવા હોય તો તે પથ્થરનાં દેવમંદિરોના જીર્ણોદ્ધારમાં કે જ્યાં જુઓ ત્યાં કરોડોની સંખ્યામાં ખંડેરદશામાં નજરે પડતાં હાડમાંસનાં દેવમંદિરોની મરામતમાં ખરચવાના હોય?
ખાનગી પૈસાથી કોઈ જીર્ણોદ્ધાર કરે તોપણ આ પ્રસંગમાં જૂનાં વેરઝેરને તાજાં કરવા જેવું કરવું જોઈએ નહિ. મહમૂદ ગઝ્નવીની પોતાની જ કચેરીના ઇતિહાસકારના અહેવાલમાં સોમનાથના નાશનું વર્ણન નથી અને આખી વાત વિષે ઇતિહાસજ્ઞો શંકાનું વલણ સેવે છે. પ્રજાની ધર્મભાવના તાજી કરવા પણ આવું કરવાની જરૂર નથી. અસત્યથી કોઈ પ્રજાને પાણી ચઢતું નથી. કલાને નામે પણ આવા સમારંભ ઉપાડવાના હોય નહિ. નવા જમાનાનાં તીર્થસ્થાનો તે રુગ્ણાલયો, ગ્રંથાલયો, વિદ્યાલયો, શિશુનિકેતનો, સભાગૃહો વગેરે છે અને તે મકાનોમાં યથાવકાશ કલા દાખવવાના પ્રયત્ન થવા જોઈએ.
આ અંગે એક નાજુક વાત સ્પર્શવાની રહે છે. સોમનાથના જીર્ણ મંદિરના પ્રવેશદ્વારે લોઢાના પાટાથી જકડી મજબૂત ટેકવેલો નાનો મિનારો હતો, જેમ પાવાગઢ ઉપર કાલિકાને માથે પીરની જગા છે. આવાં દૃશ્યો ત્રીજા ધર્મના માણસને પણ વરવાં લાગશે. બંને ધર્મનું એમાં ગૌરવ નથી. સોમનાથના જીર્ણ મંદિર પરનો મિનારો કાયમ હોય તો બીજી કોમના ભાઈઓને સમજાવી એમની પાસે જ એ અપમાનસૂચક કદરૂપતા દૂર કરાવવી જોઈએ. એથી વધુ રાજ્યે જીર્ણોદ્ધાર કરવામાં પડવાની ભાગ્યે જ જરૂર હોય.
|