આ ગરીબ દેશમાં ભગવાન પણ પૈસાદાર બનીને બેઠો છે. એની આવક ઉપર આવકવેરો પણ નહિ. આપણી `આઝાદ' સરકારો પણ પહેલો વેરો ભગવાનનો માફ કરે છે! જાણે વેરા ભરીભરીને જેની કમ્મર વાંકી વળી ગઈ છે એવા ખેડૂતો અને શ્રમજીવીઓના વેરા તો બધા હળવા કરી દીધા હોય એમ આ ભગવાનને આપેલી માફીનો નવો બોજ એની પીઠ ઉપર નાખવામાં આવે છે. શિરોહીએ આબુ પરનો મુંડકાવેરો રદ કર્યો છે, સૌરાષ્ટ્ર સરકારે શેત્રુંજાના મુંડકાવેરા તરીકે આણંદજી કલ્યાણજીની પેઢી જે સાઠ હજારની રકમ ભરતી તે માફ કરી છે. દાંતાના અંબાજીના મુંડકાવેરા માટે હિલચાલ ચાલે છે.
દેશી રાજ્યો કર ઉઘરાવી અંગત ઉપયોગમાં--ઘણી વાર તો અવળે રસ્તે વાપરતાં એટલે એ વેરાઓ અપ્રિય હતા. આપણી નવી રાજસત્તા જો એ પૈસાની સદુપયોગ કરી શકતી હોય તો આ ભગવાનની પેઢીઓ અને ભક્તપ્રજા ઉપરનો વેરો બંધ શા માટે કરવો જોઈએ તેનું કોઈ કારણ નથી. બીજા ભાગોમાં એવો વેરો નથી એવી દલીલનો ઉપયોગ તો બીજા ભાગોમાં તે શરૂ કરવા માટે થવો જોઈએ, જે ચાલુ છે તે બંધ કરવા માટે નહિ. ધાર્મિક સ્વાતંત્ર્યનું રક્ષણ રાજ્યે કરવું જોઈએ. પણ જુદાંજુદાં ટીલાંટપકાંવાળા જે ધર્મે ગાંધીજીની હત્યાના પ્રસંગ સુધી આપણી અવનતિ કરી છે, તેને રાજ્યે પ્રોત્સાહન આપવાની જરૂર નથી. એ `ધર્મો' સાચવવા ઇચ્છનારાઓને થોડોક વેરો ભરી એ બાબતની પોતાની ગંભીરતા દાખવવાની તક છે તે તો રાજ્યે ખૂંચવી લેવી ન જ જોઈએ. એક બાજુ ટેંડુલકર-સમિતિ ધર્માદા ફંડોના ઉકરડાઓ સાફ કરવાના રસ્તા શોધી રહી છે ત્યાં `આઝાદ' સરકારો એને ઉત્તેજન આપવા પ્રેરાય એ આઝાદીનું બેહૂદું પ્રદર્શન છે. આવું પગલું ભગવાન કે ધર્મની લગની કરતાં તેના કહેવાતા ભગતોના સામાજિક-આર્થિક પ્રભાવ નીચે ભરાયું હોવા સંભવ હોઈ ગુલામીનું જ સૂચક છે.
|