મે અંકમાં ભાવી ગુજરાત વિશ્વવિદ્યાલય અંગે ત્રણ કસોટી રજૂ કરી હતી. તેમાંથી સ્થાનિક ભાષા બોધભાષા રહે તે અંગેની પ્રથમ કસોટીમાંથી ભાવી વિશ્વવિદ્યાલય પાર ઊતરશે એવી, મેના આરંભમાં હિંદનાં વિશ્વવિદ્યાલયોના કુલનાયકોએ કરેલા ઠરાવ પછી, આશા રાખવી અસ્થાને નથી.
બીજી કસોટી તરીકે `વિશ્વવિદ્યાલયમાંથી माणस બહાર નીકળશે કે યંત્રો માટેનો जीवतो माल?'--એ પ્રશ્ન રજૂ કરી, જૂની મેકોલે-યોજિત કેળવણીમાં આ છેડે વિદ્યાર્થી દાખલ થતો ને સામે કારકુન નીકળતો તેમ હવેની કેળવણીમાં આ છેડે વિદ્યાર્થી દાખલ થાય ને સામે છેડે નિષ્ણાતો રૂપી, યંત્રો માટેનો, જીવતો માલ નીકળે એવું તંત્ર ન રચાય તે સામે સાવધાન રહેવા સૂચવ્યું છે. આવી સાવધાનીની કેટલી બધી જરૂર છે તેની ખાતરી `અખંડાનંદ'ના મે અંકમાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો લેખ જોવાથી થશે, અમદાવાદના ઉદ્યોગપતિઓને નિષ્ણાતોની કેટલી બધી જરૂર છે એ તેઓશ્રી બતાવે છે :
`ઉદ્યોગની સ્થાપના અને સારા સંચાલન માટે ચાર વસ્તુઓ જરૂરી હોય છે : એક તો નાણાં, બીજું સારા કારીગરો, ત્રીજું ઉદ્યોગપતિઓ અને ચોથું ઉદ્યોગસંચાલનમાં કામગીરી કરી શકે તેવા માહિતગાર નિષ્ણાતો. અમદાવાદના સારા નસીબે પ્રથમની ત્રણ વસ્તુ સહેલાઈથી મળી શકે છે. એટલે જો કોઈ પણ નવો ઉદ્યોગ સ્થાપવો હોય તો તેનો જાણકાર મળતાં તેની સ્થાપના કરવામાં અમદાવાદમાં મુશ્કેલી પડતી નથી.'
તે પછી, અમદાવાદના ઉદ્યોગપતિઓએ કાપડ સિવાયના ઉદ્યોગો હવે ખેડવા પડે એમ છે એ પરિસ્થિતિ એ સ્પષ્ટ કરે છે :
`અમદાવાદમાં કાપડઉદ્યોગ એટલા પ્રમાણમાં વિકસ્યો છે કે તેના વધુ વિકાસનો અવકાશ નથી. આવા અવરોધને અંગે અમદાવાદમાં સાહસિક વેપારીઓને સાધારણ રીતે નવા ઉદ્યોગમાં જવું પડશે.'
તે નવા ઉદ્યોગો કયા અને એને માટે ખૂટતી એક જ ચીજ--નિષ્ણાતો--તે શી રીતે મળે તેનું ચિત્ર પછી એ આપણી આગળ રજૂ કરે છે :
`હું માનું છું કે નજીકના ભવિષ્યમાં સાબુ, દવા, રસાયણ તથા એન્જિનિયરિંગનાં કારખાનાંઓ સારી રીતે ખીલી શકે તેમ છે. તે ખિલવણીને અનુકૂળ વાતાવરણ કરવા જુદાજુદા વિષયોના નિષ્ણાતોની ઊણપ દૂર કરવા અમદાવાદના અગ્રેસર શહેરીઓએ આજે જુદાજુદા વિષયોમાં તાલીમ આપવા સારુ એક પછી એક કોલેજોની સ્થાપના કરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મોટા પાયા પર એક સાયન્સ કોલેજ અને બીજી ફાર્માસ્યુટિકલ કોલેજનું કામકાજ શરૂ થઈ ગયું છે. જ્યારે એન્જિનિયરિંગ કોલેજના પાયા નંખાઈ ગયા છે. આ કોલેજો અમદાવાદમાં સ્થાપવાથી અમદાવાદને મોટો લાભ થવાનો સંભવ છે...'
નિષ્ણાતો બહાર પાડનારી કોલેજો અમદાવાદમાં સ્થપાવાથી મોટો લાભ થવાનો સંભવ છે તે `અમદાવાદને' કે નવા ઉદ્યોગ શોધવાનું જેમને માટે હવે જરૂરી બન્યું છે તેવા અમદાવાદના `સાહસિક વેપારીઓને'? શું આ સાહસિક વેપારીઓને નવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં મુશ્કેલી ન પડે એટલા માટે જ નવીનવી કોલેજો સ્થાપવાનો ઉપક્રમ છે?
નવા ઉદ્યોગો સ્થાપવામાં ખૂટતી એક ચીજ--નિષ્ણાતો તે પેદા કરવા માટે કેળવણીનાં કારખાનાં ઊભાં થાય એની અગત્ય ઉપર વિદ્વાન ઉદ્યોગપતિએ ભાર મૂક્યો છે
તેમાં એ ઉમેરવાનું રહે છે કે `નિષ્ણાતોની ઊણપ દૂર કરવા અમદાવાદના અગ્રેસર શહેરીઓ'ના જે મંડળે એક પછી એક કોલેજોની સ્થાપના કરવા માંડી છે તે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના કદાચ તેઓશ્રી પોતે જ પ્રમુખ છે અને એક બાજુ અહીં અમદાવાદમાં કૉલેજો નીકળી તે સાથે બીજી બાજુ વલસાડમાં એમનું રંગોનું કારખાનું પણ નીકળે છે.
તો, સાહસિક ઉદ્યોગપતિઓને કેળવણીના નિયોજનમાં-વિશ્વવિદ્યાલયપ્રવૃત્તિમાં રસ લેવાને કારણ છે. (અમદાવાદમાં એક શિક્ષણસમારંભમાં થોડાક કરોડપતિઓએ રંગમંચ શોભાવ્યો હતો. વિદ્યા સાથે સંબંધ હોય એવાં એક ત્યાં શ્રી વિદ્યાગૌરી નીલકંઠ હતાં.) અંગત આર્થિક મહત્ત્વાકાંક્ષાઓનો માર્ગ અનુસરવા માટે, વિશ્વવિદ્યાલયપ્રવૃત્તિનું---એટલે કે કેળવણીના ઉદ્યોગનું એક પૂરક ઉદ્યોગ તરીકેનું મહત્ત્વ તેઓ સમજે છે. શ્રી કસ્તુરભાઈના વિચારોનો પરિચય કર્યા પછી એ બાબતે શંકા રહેતી નથી. અમદાવાદમાં સાહિત્યપરિષદના પ્રમુખપદેથી ગાંધીજીએ સાહિત્ય અંગે જે પ્રશ્ન કર્યો હતો કે આપણે સાહિત્ય `કસ્તુરભાઈ ઍન્ડ કંપની માટે' રચવું છે તેનો જ પડઘો આજે બાર વરસે પાડવાનો રહે છે કે અમદાવાદમાં વિશ્વવિદ્યાલય `કસ્તુરભાઈ એન્ડ કંપની માટે' રચવાનું છે?
|