ગાંધીજી જેવી મહાવિભૂતિ દેશની રંગભૂમિ ઉપરથી સ્થૂલ રૂપે અદૃશ્ય થતાં લાંબા સમય સુધી બધું ખાલી ખાલી લાગે એ સ્વાભાવિક છે. તેમ છતાં ઇતિહાસની મજલ કાંઈ અટકતી નથી, સરી જતી પળેપળને કલ્યાણસાધનામાં તે ફળદાયી બને એ રીતે યોજવાની છે. ઉપરાંત ગાંધીજી જેવી વ્યક્તિ સ્થૂલ રૂપે ખસી જવાથી કાંઈ અદૃશ્ય થઈ જતી નથી, પોતાનું કાર્ય કરતી થંભી જતી નથી. ઊલટું, જે રીતે ગાંધીજી જીવ્યા અને મૃત્યુ પામ્યા તે જોતાં જેમ જેમ પ્રજામાં ચેતન આવશે તેમ તેમ ઉત્તરોત્તર એ વધુ એ વધુ કાર્યક્ષમ જણાશે, પ્રજામાં ચેતન વધારવામાં પણ પોતે મોટો ફાળો આપી રહેશે. ગાંધીજીનું આ ભાવનાસ્વરૂપ પોતાનું કાર્ય કરી શકે---જનકલ્યાણની સાધનામાં પોતાનો ફાળો આપતું રહે તે માટે શું કરવું જોઈએ?
આવા કોઈક પ્રશ્નનો સામનો કરવા જાણે, ગયા મહિનામાં વર્ધામાં દેશભરમાંથી ગાંધીજીની રીતે કામ કરનારા અનુયાયીઓની સભા મળી અને એણે ગાંધીજીના રચનાત્મક કાર્યને જ યોગ્ય રીતે મહત્ત્વ આપ્યું. રચનાત્મક કાર્યની પાંચ સંસ્થાઓ---અખિલ હિંદ ચરખાસંઘ, અખિલ હિંદ ગ્રામોદ્યોગસંઘ, હરિજનસેવકસંઘ, ગોસેવાસંઘ અને હિંદુસ્તાની તાલીમીસંઘ---ગાંધીજીની સીધી દોરવણી તળે ચાલતી હતી ત્યાંસુધી એમને બધી પ્રવૃત્તિઓનો પરસ્પર મેળ હતો, કેમકે એ પાંચેને ચેતનથી ભરી દેનાર કેન્દ્ર એક જ હતું. હવે ગાંધીજીની ગેરહાજરીમાં એ પાંચે સંસ્થાઓમાં, એકસૂત્રતા જાળવવા માટે કોઈ પ્રયત્ન થાય એ જરૂરી છે. કેન્દ્રસ્થાને ગાંધીજીની `સર્વોદય' (સૌનો ઉદય)ની પરમ ભાવનાને સ્થાપી એ પાંચ સંસ્થાના સમન્વયથી `સર્વોદયસમાજ' રચવાનો નિર્ણય વર્ધામાં લેવાયો છે. અને ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓને આથી જરૂર વેગ મળશે.
ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે ગાંધી જશે, ગાંધીવાદ નહિ જાય. કર્મયોગની બહાર કોઈ ગાંધીવાદ નથી, અને એથી વર્ધામાં રચનાત્મક કાર્યને વધુ વ્યવસ્થિત કરવાનો નિર્ણય લેવાયો છે એ યોગ્ય જ થયું છે. ગાંધીવાદ એવી અનેક પાસાંવાળી અને સૂક્ષ્મ વસ્તુ છે કે એને મૂર્ત કરવા માટે ગાંધી જ જોઈએ. તેમ છતાં કેટલાંક પાસાંઓને જરૂર `સર્વોદયસમાજ' દ્વારા અભિવ્યક્તિ મળશે.
આ `સર્વોદયસમાજ'નું લક્ષ્ય ગાંધીજીને પ્રિય પ્રવૃત્તિઓમાં રત રહેવાનું છે, એથી કોઈ નવો પંથ ચલાવવામાં આવશે કે ધર્મ સ્થપાશે એવો ભય રહેતો નથી. સદ્ભાગ્યે ગાંધીજીની પાછળ એવો પંથ (`ચર્ચ') ચલાવવાનું શક્ય પણ નથી. બુદ્ધ અને ઈશુ કરતાં ગાંધીજીની વાત જુદી છે. ધર્મભાવથી ભરેલો કર્મયોગ એ ગાંધીજીનો સંદેશ હોઈ
ખોટા સિક્કા તરત પરખાઈ આવવાનો અવકાશ છે. તમે અન્યાયને મૂગા મૂગા (ભલે પછી તમે ધર્મની વાતો કર્યા કરતા હો) બરદાસ્ત કરી શકો છો? તો તમે ગાંધીવાદી નહિ. અન્યાયનો સામનો કરતાં, સામાવાળાના દેહને હાનિ પહોંચાડવાનો તમારો પ્રયત્ન છે---અરે એનો દ્વેષ સુધ્ધાં તમારા મનમાં છે? તો તમે ગાંધીના માણસ નહિ. અન્યાયનો સામનો કરવા ઉપરાંત સારો વખત તમે જગતહિતનાં કાર્યોમાં--પોતે પેટિયા કરતાં કશું વધારે ન સ્વીકારીને--પ્રેમપૂર્વક રમમાણ રહો છો? તો તમે ગાંધીજન ખરા. આમ ગાંધીવાદમાં સાચાખોટાનો ભેદ તરત થઈ આવે એમ છે. જેમ ગાંધીજીને જીવતાં છેતરવા સહેલા ન હતા, તેમ એમને મૃત્યુ પછી પણ છેતરવા સહેલ નથી.
ગાંધીવાદ પ્રધાનપણે ધર્મભાવનામાં રોપાયેલો હોઈ વર્ધામાં મળેલા અનુયાયીઓ એની સંભાળ લેવાની જવાબદારી ઉપાડે એ સ્વાભાવિક છે. પણ ઉપર કહ્યું તેમ કર્મયોગ બહાર ગાંધીવાદ છે નહિ, ગાંધીજીએ પણ પોતાના `વારસ' તરીકે શ્રી વિનોબાને નહિ પણ પં. જવાહરલાલને સૂચવ્યા હતા. અત્યારે ઉત્કટ કર્મયોગમાં રોકાયેલા ગાંધીવાદીઓ (પં. નેહરુ અને તેમના સાથી અધિકારીઓ અને કૉંગ્રેસમાંના મહાજનો) ગાંધીજીની ધર્મભાવના અંગે શિથિલ દેખાય છે અને તીવ્ર ધર્મબુદ્ધિવાળા ગાંધીવાદીઓમાં તેજસ્વી કર્મયોગ જોવા મળતો નથી. એટલે ડર એ રહે છે કે પ્રથમ વર્ગની સત્તાને ટેકો આપવામાં જ આ બીજા વર્ગની બધી પ્રવૃત્તિઓ પરિણમશે કે શું? પણ ગાંધીવાદ એ સત્યનું જ બીજું નામ છે અને સત્ય પોતાનો રસ્તો કરી લેશે. નીવડેલા ગાંધીવાદીઓ જ એનું ઉત્તમ વાહન નહિ થાય એમ માનવાનું કાંઈ પણ કારણ નથી.
|