આ દિવસ દુનિયાના શ્રમજીવીઓનો દિવસ છે અને તે એક આંતરરાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવાય છે. આપણા ત્યાં આ દિવસ ઊજવવા સમાજવાદી પક્ષે નિર્ણય કર્યો છે. દેશમાં સ્વાતંત્ર્યની સ્થાપના પછી કૉંગ્રેસે પણ આ ઉજવણીમાં સક્રિય ભાગ લીધો હોત તો તે યોગ્ય થાત. પણ કૉંગ્રેસને પૂંજીપતિઓનું દૃષ્ટિબિંદુ જેવું વગર કહ્યે સમજાય છે તેવું શ્રમજીવીઓનું સમજાતું હોય એમ લાગતું નથી. આપણે સર્વોદયસમાજની વાતો કરતા રહીશું અને પરિણામે કેવળ પૂંજીપતિઓનો જ ઉદય થાય એમ બને. ગાંધીજીની હત્યા બિરલાના જે ઘરમાં થઈ તે ઘર દેશને સોંપવાની શ્રી બિરલા ના પાડે છે તે અંગે શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા મર્મજ્ઞનું વલણ જોઈને આ ભીતિ પાકી થાય છે. ગાંધીજીના `પ્રિય પાત્ર', `પુત્ર' શ્રી બિરલા પ્રત્યે આપણું વલણ વધારે સારું હોવું જોઈએ એમ તેઓ ઇચ્છે છે. આપણે ઇચ્છીએ કે તેઓશ્રી બિરલાને જ ગાંધીજીના સાચા `પ્રિય પાત્ર', `પુત્ર' બનવા માટે સાચી ગાંધીવાદી રીતે વર્તવા---આ ઘર તો ખરું જ પણ બીજાં ઘર પણ પ્રજાને ચરણે ધરવા---વીનવે... આપણે નવા રાજ્યે મે દિનને રાષ્ટ્રીય તહેવાર જાહેર કરી શહેરે શહેરે ને ગામડે ગામડે શ્રમમહિમાનું વાતાવરણ જમાવવા હાકલ કરી હોત તો એ ઘણું જ ઇચ્છવા જેવું હતું. હજી 1949થી એ થઈ શકે છે.
|