1947નું વરસ પૂરું થતાં પૂર્વે આ વરસે જે વિશિષ્ટ વ્યક્તિઓના જન્મ કે મૃત્યુની અથવા વિશિષ્ટ ગ્રંથોના પ્રકાશનની શતાબ્દી છે તેનું સ્મરણ કરી લઈએ. પશ્ચિમના દેશો તો આવા શતાબ્દીપ્રસંગોએ બહુ જ ઉત્સાહ અનુભવે છે. એકએક બનાવને આ રીતે સંભારી પ્રજાના સામુદાયિક જીવનને બહોળું અને સમૃદ્ધ બનાવે છે. 1847માં ફ્રેંચ લેખિકા જ્યૉર્જ સોંએ સંગીતકાર શોપા સાથે છેવટે ઝઘડો કર્યો---એ ઘટનાનું સો વરસ પછી પણ ત્યાં સ્મરણ થવાનું. આપણે 1933માં નર્મદશતાબ્દી ઊજવ્યા પછી આ રસ કેળવવા માંડ્યો છે અને અનેક શતાબ્દીઓ હવે ઊજવાય છે.
આ સાલ આપણે ત્યાં સૌથી અગત્યની શતાબ્દી ઊજવાઈ તે એની બેસન્ટની. એ વિદેશી સન્નારીએ આ દેશને અપૂર્વ મમતાથી અપનાવ્યો. બનારસમાં સેન્ટ્રલ હિંદુ કોલેજ સ્થાપી, દેશોન્નતિ માટે સામયિકો ચલાવ્યાં, હોમરુલ જેવી વ્યાપક રાજકીય હિલચાલ જગાવી, શાહીવાદ સામે ઝૂઝતી કૉંગ્રેસને બળ આપ્યું---એ બધી સેવાઓ માટે હિંદ એમનું હંમેશાં ઋણી રહેશે.
આપણે હવે આપણા સાહિત્યનાં 'ઘરદીવડાં'ની જ શતાબ્દીથી સંતોષાઈ જતાં નથી. વિદેશી મહાન સર્જકોના શતાબ્દીપ્રસંગો પણ આપણે ઊલટથી ઊજવીએ છીએ. અમદાવાદ લેખકમિલન તરફથી સર્વેન્ટિસની ચતુ:શતાબ્દી ઊજવવાનું જાહેર થયું છે. જગતભરનાં બાળકો સુધી જાણીતા થયેલા 'ડોન ક્વિઝોટ' અને એના સાગરીત સાન્કો પાન્ઝાની અદ્ભુત બેલડી સર્જનાર એ સાહિત્યસ્વામીનું જન્મવર્ષ 1547 છે. આ વરસની શતાબ્દીસ્મૃતિનો સૌથી મોટો અધિકારી સર્વેન્ટિસ છે.
1847નું વર્ષ અંગ્રેજી સાહિત્ય માટે ઘણું મહત્ત્વનું છે. થેકરેની નવલકથા 'વેનિટી ફેર' 1847ના આરંભથી પ્રગટ થવા માંડી. એ વરસે ટેનિસનનું 'પ્રિન્સેસ' અને શાર્લોટ બ્રોન્ટીનું 'જેન આયર' પ્રસિદ્ધ થયાં, એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગે બ્રાઉનિંગને 'સોનેટ્સ ફ્રોમ ધ પોર્ટુગીઝ' બતાવ્યાં, જ્હોન સ્ટુઅર્ટ મિલે અર્થકારણના સિદ્ધાંતો પરની પોતાના પુસ્તકની પૂર્ણાહુતિ કરી. અમેરિકન વિચારક થોરોએ વોલ્ડન સરોવર પરની પોતાની કુટિરમાંથી ડેરા ઉઠાવ્યા. અહીં રશિયામાં તોલ્સ્ટોયે પોતાની 'ડાયરી' લખવાનો આરંભ કર્યો. અને દુનિયાનાં જીવનવહેણો ઉપર બહુ ઊંડી અને દૂરગામી અસર પહોંચાડનાર નાનકડું પુસ્તક---માર્ક્સ અને એંગલ્સકૃત 'કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો'---તે પણ પ્રગટ થયું આ જ વરસમાં.
'1747ની સાલ એક મહાન પર્વરૂપ લેખાશે કેમકે એ વરસે જ્હોન્સનનો પરિશ્રમપૂર્ણ અને મહત્ત્વનો ગ્રંથ ''અંગ્રેજી ભાષાનો કોષ'' દુનિયાને જાહેર કરવામાં આવ્યો હતો.' એમ બોસ્વેલ કહે છે. 1647 તે બ્યુમોન્ટ અને ફ્લેચરનાં નાટકોની પ્રથમ સંગૃહીત આવૃત્તિના પ્રકાશનનું વરસ છે, તો 1547 એ અંગ્રેજીમાં ઇટલીનો 'સોનેટ' છોડ રોપનારા બે કવિઓમાંના એક અર્લ ઓફ સરેની અવસાનસાલ છે.
|