15મી ઓગસ્ટ પછી સ્વાધીન
હિંદી સંઘના પ્રાન્તોમાં
જે હિંદી ગવર્નરો નિમાયા
છે તેમના માસિક છ હજારના આવકવેરામુક્ત
પગારો જાહેર થતાં આખી જનતાએ
આઘાત અનુભવ્યો હતો. પાછળથી
તે ઘટાડીને ત્રણ હજારનો (આવકવેરામુક્ત)
કરવામાં આવ્યો છે. અત્યાર
સુધીના પરદેશી હાકેમોના પગારો
પણ આવકવેરામુક્ત ન હતા. અને
આવકવેરામુક્ત પગારો આપવાનો
આ નવો ચીલો નવી સત્તાને ક્યાં
લઈ જશે એની સૌને ફડક લાગી હતી.
વાણિજ્યપટુ અમદાવાદે તો હિસાબ
પણ કાઢી બતાવ્યો કે લાખોનો
પગાર આપો ત્યારે વાર્ષિક
વેરામુક્ત 72 હજારની ચોખ્ખી
આવક પડે.
આ પગલાની નીતિમત્તા વિશે
સરકારને પોતાને પણ શંકા થઈ
અને એણે અરધી પીછેહઠ કરી એટલું
પણ ઠીક છે. પણ આ એક પગલાએ પ્રજાને
વિચાર કરતી કરી મૂકી છે. 1931માં
કરાંચી અધિવેશનમાં કૉંગ્રેસે
વાઇસરોયનો પણ પાંચસો રૂપિયાથી
વધુ પગાર ન હોય એમ કહ્યું હતું.
1937 પછી પ્રાંતીય પ્રધાનમંડળો
પાંચસો રૂપિયા લેતાં પણ હતાં.
પણ આ વખતે ફરી સત્તા ઉપર આવ્યા
પછી મોંઘવારીને આગળ ધરીને
વધારા માટે બૂમ ઉઠાવવામાં
આવી હતી. કૉંગ્રેસના આટલા
બધા આગેવાનો (અને કેટલાક તો
બે પૈસે સુખી) હોદ્દાઓ ઉપર
આવ્યા
તેમાંથી પગાર જતો કરનાર
(અથવા જાહેર કાર્યમાં આપી
દેનાર) એક પણ નીકળ્યો નથી---અથવા
કાંઈ નહિ તો પાંચસોને વળગી
રહેનાર પણ નીકળ્યો નથી એ ઘટના
ખરે જ આંખ ઉઘાડી દેનારી છે.
ખાસ કરીને તો એટલા માટે કે
દરિદ્રનારાયણની સેવામાં
બહાર પડેલા અને ગાંધીજી જેવા
તપસ્વીના અનુયાયીઓની આ વાત
છે. ગયે વરસે બીજી સપ્ટેમ્બરે
દિલ્હીમાં સત્તા હસ્તગત કરવા
નેતાઓ બિરલાના ઘરમાંથી કંકુ
લગાવડાવીને નીકળ્યા એ જ શુકન
ઠીક ન હતા. અંગ્રેજોની સામે
ટક્કર લેતી છાવણીઓ સમી સમિતિઓ
કે જાહેર સંસ્થાઓમાં અમારા
લોકનેતાઓએ થોડાક મહિના ખેંચ્યા
હોત તો પ્રજાને એના કાળા અન્નસંકટના
સમયમાં આત્મીયતાની ભારે હૂંફ
મળત. માણસ લોકનેતા થયો એટલે
એણે ફરજિયાત ફકીરી જીવન ગાળવું
જ જોઈએ એમ સૂચવવાનો રજમાત્ર
આશય નથી. પણ છેલ્લું એક વરસ
અને હજી થોડોક સમય તે દેશના
ભૌતિક જીવનની નીચામાં નીચી
સપાટીનો સમય છે. એવે વખતે,
હજી ગઈ કાલ સુધી જેલોને મહેલો
ગણનાર, આશ્રમોમાં જીવી શકનાર
અને સાદા સૈનિકજીવનથી ટેવાયેલો
એવો આપણો નેતાવર્ગ જો પ્રજાની
સાથે સમકક્ષાનું જીવન જીવે
તો પ્રજા ઉપર જાદુઈ અસર થયા
વગર રહે નહિ. તો પ્રજા પોતાના
અન્ન-વસ્ત્ર અંગેના સંકટનું
વાસ્તવમાં ભલે ગમે તેટલું
ઓછું નિવારણ થાય તેમ છતાં
પોતાના દુ:ખમાં અક્ષરશ: ભાગ
પડાવનાર નેતાઓનાં પગલાંમાં
વધુ ઇતબાર ધરાવી શકે અને આખી
હવા પલટાઈ જાય. ઇંગ્લૅન્ડના
વડાપ્રધાન ઍટલીએ હિંદી વડાપ્રધાન
નેહરુને ખાંડ વગરની ચા પાઈ
હતી એ સમાચાર આપણા દેશની પરિસ્થિતિ
આગળ તો પરીકથા જેવા જ લાગે
છે!
રાજ બદલાયું છે એવું, 15મીનો
ઉત્સવ આજ્ઞાનુસાર ઊજવ્યા
છતાં, પ્રજાને હજી લાગતું
નથી. ઊલટું અંગ્રેજોનો જ બધો
વારસો લેવાઈ રહ્યો હોય એવું
દેખાય છે. પ્રજાની મૂળભૂત
જરૂરિયાતોના સળગતા પ્રશ્નોમાં
ગૂંથાવાને બદલે કોઈ ને કોઈ
ઠેકાણે ઉદ્ઘાટનક્રિયા કરી
રહેલા કે નવી સત્તાનાં અને
કૉંગ્રેસનાં બચાવનામાં રજૂ
કરતા નજરે પડે છે. કહે છે કે
કેટલાકનાં મન તો હજારોનાં
રાચરચીલાં અને શેતરંજીઓ વસાવવામાંથી
જ ઊંચાં આવતાં નથી!
હજી તો ગઈ કાલે ઍટલીને ઇંગ્લૅન્ડના
રાજાએ રાજસૂત્ર સ્વીકારવા
બોલાવ્યો ત્યારે એની પત્ની
મોટર હાંકીને રાજમહેલને દરવાજે
એને પહોંચાડી આવી હતી. એમની
પાસે હાંકનાર ન હતો! ખલીફ ઉમર
જેરૂસલેમ ગયેલા ત્યારે ઊંટ
હાંકનાર અને પોતે વારાફરતી
ઊંટ ઉપર બેસતા હતા ને પોતાનો
ચાલવાનો વારો હોઈ ચાલતા જ
દરવાજામાં દાખલ થયા. સામૈયા
માટે ઊભેલા અમીરો અને અધિકારીઓના
ઠાઠનો પાર ન હતો. ઉમરે એ લોકોની
ધૂળ ખંખેરી કાઢી. રોમન લોકો
એક વાર કપરી આફત વખતે એક અદના
કિસાન સિનસિનેટસને ખેતરમાં
હળ ઊભું રખાવીને સરદારી માટે
તેડી ગયા હતા. પણ લડાઈ પૂરી
થયે એ વિજય અપાવનાર નેતા એને
ખેતરે જ જઈને ઊભો રહ્યો.
અંગ્રેજોનો આજે વારસો
લેવાઈ રહ્યો છે તેવો તો કદાચ
અંગ્રેજોએ પણ મુગલાઈ પાસેથી
લીધો નહિ હોય.
આશા રાખીએ કે પ્રજાને એના
નેતાઓ પોતાની પડખે ઊભેલા
પરમસેવકો લાગે તે રીતે જ નવા
હાકેમો અને હોદ્દેદારોની
સમગ્ર રહેણી અને વર્તણૂક
હશે.
|